“ભુરાકાકા આજે તમે આ યોગ્ય નથી કર્યું, કોઈનો મોઢામાંથી કોળીયો લઇ લેનાર ને કુદરત માફ નથી કરતી” ભરબપોરે આવા તીખા શબ્દો ની ભેટ આપી અને કાનો પાથરેલી બધી પતરાની સુપડીઓ સંકેલીને નિરાશા સાથે માર્કેટમાંથી નીકળ્યો. પેટમાં ભૂખ ની બળતરા હતી અને મનમાં આજે જે થયું એની બળતરા. ચાલતો ચાલતો માર્કેટ માંથી નીકળતો હતો ત્યાં જ તેનો મિત્ર ભરત મળ્યો.

“અલ્યા કાના કેમ આજે ઉતરેલી કઢી જેવું મોઢું છે”

“કઈ નહીં, જવા દે” કાનો આટલું કહી ને આગળ જવા જાય છે ત્યાં જ ભરત એનો હાથ પકડીને કહે છે કે

“થોડું મન મોકળું કરી લે તો થોડી બળતરા ઓછી થશે”

“આજે શહેરમાંથી એક મોટો ઘરાક (Customer) આવ્યો તો, એને ૧૫ સુપડીઓ એક સાથે જોઈતી હતી. મેં તેમને મારો ભાવ કહ્યો અને ઘરાક તે ભાવે લેવા તૈયાર પણ થઇ ગયા. એટલે મને મનમાં હાશ થઇ કે ચલો આજે જમનાબા ની દવા આવી જશે. પણ એટલામાં જ આ ભુરાકાકાએ આવીને બધી આશા પર પોતાની કડવી વાણીથી પાણી ફેરવી દીધું. એમને મારા ઘરાકને મેં જે ભાવ આપ્યો હતો તેના કરતા સસ્તા ભાવમાં આપવાની વાત કરી અને ઘરાકને એના ત્યાં ખેંચી ગયો. હવે ઘરાકને ક્યાં ખબર હતી કે આખા માર્કેટ માં સૌથી ખરાબ માલ આ ભુરીઓ રાખે.” ભુરાકાકા પર શબ્દોથી ગુસ્સો કાઢતો કાનો બોલ્યો.

“હવે જવા દે ને, બીજો કોઈ સારો ઘરાક તને મળી જશે” આશ્વાસન આપતા ભરત બોલ્યો.

“ના ભરત, આવું એને પેહલી વાર નથી કર્યું, મારા ઘણા મોટા ઘરાકો ને એ ખેંચી ગયો છે”

“હા તો હવે તું પણ એવું કર કે એ ભુરીયા ના ઘરાક તારે ત્યાં આવતા રહે” ભરત ની આવી વાતો પર થી લાગ્યું કે જાણે ભુરીયા વિરુદ્ધ કાનાના કાન ભરી રહ્યો હોય.

પણ આ અનાથ કાનો સેવાભાવી અને ભગવાનનો માણસ. તેને પોતાના પરિશ્રમ અને કુદરત પર અતૂટ વિશ્વાસ. કોઈ દિવસ કોઈનું ખરાબ ના વિચારવું તે જ તેના જીવનનો મંત્ર. પોતાનું માંડ માંડ પૂરું કરતો કાનો જમનાબા નામના ઘરમાંથી તરછોડાયેલા વૃદ્ધ બા ને આશરો આપવામાં પાછો ના પડ્યો અને કુદરતની ભેટ માનીને જાણે “માઁ” મળી ગયી હોય તેમ પોતાના હ્ર્દય માં સ્થાન આપી દીધું. ખાવાથી લઈને જમનાબા ની સારવાર- દવા બધાની તકેદારી રાખતો. ઘણીવાર તો એવું બનતું કે એ સાંજનું જમવાનું ના ખાતો પણ એ પૈસા થી જમનાબા ની દવા લાવતો. આવી પરિસ્થિતિમાં જીવતો કાનો કોઈ દિવસ દુઃખી ના થતો. પણ છેલ્લા કેટલાય સમયથી ભુરાકાકા જે રીતે તેની રોજી રોટી પર તરાપ મારી રહ્યા હતા તેનાથી જાણે તે હતાશ થઇ ગયો હતો.

ભરતની વાતો કાના ને ખૂંચવા લાગી અને “પછી મળીએ ભરત” તેવું કહી ભૂખ્યો કાનો ખભા પર પોટલું રાખી પોતાના ગામે જવા નીકળ્યો. ભર તડકામાં થોડું અંતર કાપ્યા પછી કાનાએ સુમસામ જગ્યામાં આવેલા એ ઘટાદાર વૃક્ષ નીચે થોડો વિસામો કરવાનું વિચાર્યું અને પોટલાની સાથે પડાવ નાખ્યો. ખાલી પેટે આજે કાના માટે હાલરડાનું કામ કર્યું અને જલ્દી થી ઊંઘ આવી ગઈ. દોઢ બે કલાક રહીને કાના ની આંખો ખુલી.

આંખો મસળી ને માથા પર પાઘ બાંધી અને ખભા પર પોટલું લેવાની તૈયારી જ કરતો હતો ત્યાં જ કાનાને પોતાના પગ નીચેથી  કંઈક અજુગતો અવાઝ સંભળાયો. આ અવાજ જાણે તેના પગ નીચે જમીન નહીં પરંતુ કંઈક બીજું જ હોય તેવી પ્રતીતિ કરાવતો હતો. તેને પોતાનો પગ પછાડ્યો તો જાણે નીચે લાકડું હોય તેમ લાગ્યું અને પછી બાજુમાંથી એક અણીદાર પથ્થર લઈને તેને મોટી હટાવી અને અંદર રહેલી લાકડાની પેટી બહાર નીકાળી. ઉત્સુકતાની સાથે કાના એ લાકડાની પેટી ખોલી.

જેવી પેટી ખુલી ને કાનાની આંખો અંજાઈ ગઈ. કાના ની આંખો જાણે દિવસે સપના જોઈ રહી હોય તેવું લાગ્યું. આજ સુધી સોનાનો સ્પર્શ પણ જેને ના કર્યો હોય તેને સોનાની લગડીઓ મળી જાય તેના માટે આ સપ્નાથી પણ વિશેષ છે. ભોળો કાનો “કદાચ અહીં નજીક માં કોઈ રહેતું હોય ને એમને મૂકી હશે” એવું વિચારી પોતાનું પોટલું ત્યાં જ રાખી લગડીઓને લઈને થોડું ભટક્યો. ના તો કાનાને દૂર સુધી કોઈ વ્યક્તિ દેખાયો કે ના તો દેખાયું કોઈ ઘર.

“આજે કાના ના ઘરમાં જમનાબા ની સાથે સાથે, સરિતાબા, જશોદાબા પણ આવી ગયા છે અને કાનો મનમુકીને તેમની સેવા ચાકરી કરી રહ્યો છે, કાના એ હમણાં જ સુપડી ની દુકાન કરી છે અને હા, ભુરાકાકા ને કેન્સર થઇ જતા થોડા દિવસો પેહલા જ મૃત્યુ પામ્યા છે “

“કરેલા કર્મ અને પરિશ્રમ કોઈ દિવસ એળે નથી જતા….તમારા જીવનને તમારા ઉત્તમ કાર્યો થી સજાવી દો..કુદરત તમને શાંતિનો વિસામો ભેટ માં આપશે”

By Hardik Gajjar

hardikgajjar3151@gmail.com