ભૂંગળ દ્વારા ભૂમિની ભૂગોળને ભજવતી કળા : ભવાઈ

ગુર્જરધરા એટલે કે લોકમેળા, લોકનૃત્ય, લોકસંગીત, લોકસાહિત્ય અને ઉત્સવોને વરેલો પ્રદેશ. કલાના કસબીઓથી સમૃદ્ધ અરબસાગરમાં તરતાં મોતીઓ સતત ભરતી લાવતા હોય તેમ વાર-તહેવાર અને પ્રસંગને અનુરૂપ પોતાની કલાનું રસપાન કરાવતા હોય છે. જેના રંગ નોખા છે, ક્યારેક નાટક અને નૃત્ય તો વળી ક્યારેક સાહિત્ય કે સંગીત રૂપે અલગ પડે છે .


પણ આ સર્વે કલાનો સમન્વય ધરાવતી એક કલા. ભવ કહી બતાવે એ આ કલા . વાઈ(વાવ) માં પ્રથમ વખત ભજવાયેલી આ કલા. ભૂંગળ દ્વારા ભૂમિની ભૂગોળને ભજવતી એટલે કે ભવાઈ કલા .

ભવાઈ દરેક લલિતકલાનું  સંયોજન છે. આ કલાની ઉત્ત્પત્તિ વિશે ચોક્કસ સમયગાળો પ્રાપ્ત થતો નથી. કહેવાય છે કે આ કલા સૌપ્રથમ ખેલ સ્વરૂપે ગાંધર્વો અને ત્યાર પછી દેવીપુત્રો એવા લાલવાદી અને ફૂલવાદી દ્વારા ભજવાતી પણ તે ભવાઈ નામે ઓળખાતી ન હતી. દંતકથા પ્રમાણે ઈ:સ ૧૨૫૦ થી ૧૨૫૮ના સમયગાળામાં અાનર્તમાં દુષ્કાળ પડ્યો હતો.  પાટણની રાણકીવાવના નીર પણ ખૂટ્યા હતા. કેહવાતું હતું કે બત્રીસ  લક્ષણોવાળા પુરુષનો ભોગ આપવામાં આવે તો ફરીથી વાવમાં નવા નેણ ફૂટે. ૧૨મી સદી જાતિવાદ અને અસ્પૃશ્યતાના દુષણમાં સપડાયેલી હતી. અછૂત ગણતા ક્ષુદ્રોને  ૩ કેડવાળું કેડિયું પહેરવું પડતું હતું. ત્રીજી કેડ સાવરણી ભરાવા માટે રખાતી હતી. તેમના આંગણે તુલસી કે ગાય રાખવાની તથા ગામમાં પ્રવેશની મનાઈ હતી.
દુષ્કાળના એ સમયમાં બત્રીસ લક્ષણો ધરાવતો પુરુષ ક્ષુદ્ર ગણાતી વણકર જ્ઞાતિમાં પેદા થયો હતો. જેનું નામ હતું “વિરમાયા”. વીરમાયા પોતાનું બલિદાન આપવા એક શરતે  તૈયાર થયો કે  અમારા આંગણે ગાય, તુલસી હોય, ગામમાં વસવાટ કરવા દેવામાં આવે અને બે કેડવાળું જ કેડિયું પેહરવું પડે. કેહવાય છે કે વિરમાયાના બલિદાન આપતી સમયે માં બહુચર પ્રગટ થયા હતા તેવી લોકવાયકા છે. માતાજીએ કેડિયાની ૩જી કેડ, ઘૂઘરો, ચૂડો અને ચૂંદડી “તુરી” જ્ઞાતીને આપી.  તુરી લોકોએ માતાજી તરફથી મળેલા ચૂડો, ઘૂઘરો, ત્રીજી કેડ અને ઓઢણી પહેરીને પ્રથમ વખત પાટણની રાણકી વાવમાં ભવાઈ ભજવી હતી. વિરમાયાના બલિદાનની સાક્ષી પૂરતું ડેરું આજે પણ પાટણના સહ્ત્ર્સલિંગ તળાવને કાંઠે જોવા મળે છે.
અન્ય એક દંતકથા પ્રમાણે ૧૪મી  સદીમાં અસાઈત ઠાકર નામના બ્રહ્માણ થઇ ગયા. દિલ્હી સલ્તનતના મુસ્લિમ શાસકો શ્રીસ્થલી પર આક્રમણ કરવા માટે સરસ્વતીને કાંઠે પડાવ નાખ્યો હતો. તેઓએ પાટીદાર સમાજની દિકરીનું અપહરણ કર્યું હતું. આ વાત વાયુવેગે પ્રસરતા અસાઈત ઠાકરે સુબા જોડે જઈને પોતાની કલાનું પ્રદર્શન કર્યું અને ઇનામ રૂપે માંગ્યું કે મારી બહેનને તમે મુક્ત કરો. સુબાએ કહ્યું કે આપ બ્રાહ્મણ છો અને આ કન્યા પાટીદાર તો આ કન્યા તમારી બહેન કેવી રીતે થાય. ત્યારે અસાઈત ઠાકરે પાટીદારની દિકરી જોડે એક થાળીમાં ભોજન ગ્રહણ કરીને  તેને મુક્ત કરાવી. જયારે બ્રહ્માણ સમાજને આ વાત ખબર પડી કે અસાઈત ઠાકરે પાટીદારની દિકરી સાથે ભોજન કર્યું છે, તેથી અસાઈતને નાતબાર મુક્યા અને રહેવા માટે ત્રણ ગાળા આપ્યા. જે હાલ અપભ્રંશ થઇને “તરગાળા” તરીકે ઓળખાતી જ્ઞાતી આપણને જોવા મળે છે. અસાઈત ઠાકરે ૧૪મી સદીમાં કુલ ૩૬૦ ભવાઈના વેશ લખ્યા. ભવાઈકલા માટે તેમનું આ યોગદાન બહુ જ મોટું છે.
આમ ભવાઈ કરનારને ભવાયા કેહવાય છે. તુરી અને તરગાણા જ્ઞાતિના લોકો ભવાઈ રમતા હોય છે. એવા જ એક જૂની રંગભૂમીના પીઢ અભિનેતા અને વિદુષક તરીકે પ્રખ્યાત  જીવાભાઈ તુરીએ જૂની રંગભૂમિની સવિશેષ માહિતી આપતા જણાવ્યુ કે, ભવાઈની શરૂઆત ભવાઈ રમનાર ટોળું ભેગું કરીને કરવામાં આવે છે. ટોળું જ્યાં ભવાઈ રમવાની છે તે ગામમાં જઈને ગામના પાદરે ભૂંગોળ વગાડે છે. દાતારોને ભેગા કરીને તેમની પરવાનગી લઈને ઉતારા પર પડદા નાખીને  રંગભૂમી નક્કી કરવામાં આવે છે. રાત્રે  સૌ-પ્રથમ  સત્તા નાખીને જળમાળી (ત્રણ લાકડાંની સોટી જોડવી) અને પ્રગટ (સુતરાવ કાપડમાંથી બનાવેલ દિવો) બનાવીને પાંચ ચાંદલા અને સાથીયો થાળી પર કરે છે.  મોઢા પર બોદાર (મેકઅપ) લગાવી  આજીયા વાંચીને માતાજીના સ્તવન કરવામાં આવે છે.
પડદો ખુલતાં જ પૂર્યાધનાશ્રીમાં ગણપતી બેસાડે છે  ” પેહલા પેહલા ગણપતી  સમરું દેવા રે પ્રથમ ગજાનંન દેવા રે ” પછી ટોળાનો નાયક બે બાળા દ્વારા ગણપતીનું પૂજન કરાવે છે. આ બાળાઓ એટલે કે સ્ત્રી પાત્ર કરનાર પુરુષ જેને ભવાઈની ભાષામાં કોસળીયા  કેહવામાં આવે છે. દરેકને હસાવતો,ધોલધપાટ કરતો અને દરેક વાતમાં બફાટો કરે એવા રંગલા તરીકે ઓળખાતું પાત્ર એટલે કે વિદુષક. જયારે લોકોની આંખોમાં અને  અંતર છલકતા હોય એવા આરમાનો અને મીઠું સ્મિત લઇને આવતી રંગલીને જોવા લોકોની ભીડ જામતી હોય . ભવાઈના આ ત્રણ મુખ્ય પાત્રો જોવા મળે છે. આ ઉપરાંત જે-તે નાટકને અનુરૂપ ટોળામાંથી પાત્રો વહેચવામાં આવે છે.
ભવાઈ ભવ્ય ઈતિહાસની ઘટનાનું વર્ણન કરે છે. જેમાં જસમાં ઓડણની કથા, ગુજરાતના ખમીરવંતા શાસક સિદ્ધરાજ સોલંકી , પૃથ્વીરાજ ચૌહાણ  તેમજ રાણકદેવી રાખેંગારની કથા , રા-નવઘણ,  લીલાવતી , રાજા હરિશ્ચંદ્ર અને અભિમન્યુ ચક્રાવો જેવી ઈતિહાસ ગાથાથી ભવાઈ સમૃદ્ધ હતી. ઉપરાંત સૌરાષ્ટ્રની રસધારમાંથી પણ હોથલ પદમણી , નાગવાળો નાગમતી, જેસલ-તોરલ, માંગડાવાળો,દેવલો, ચંદ્રહાસ જેવી કથા અને આખ્યાન કાવ્યો પરથી નાટકો ભજવાયા છે. આજના શાસ  ્ત્રીયસંગીતમાં ભવાઈનું ખૂબ મોટું યોગદાન ગણવામાં આવે છે. તે સમયે ભવાઈમાં રાગ ભૈરવી, ખમાજ, તોડી, પૂર્યાધનાશ્રી, કાફી જેવા રાગો અને  તાલ તીનતાલ, કેહ્રવા, ખેમટા, દાદરા, દીપચંદી , મઠ જેવા તાલ અને રાગનું ચલણ હતું. જેનાથી હાલના સમયમાં ભારતીય સંગીતનો પ્રચાર અને પ્રસાર થયો જોવા મળે છે.
ડિજીટલાઈઝેશન યુગમાં ભવાઈ નામશેષ થઈને રહી ગઈ છે. આજની રંગભૂમી હોય કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ એની મૂળ માટી તો ભવાઈ જ છે. જ્યારે સંચારનું કોઈ માધ્યમ ન હતું, ત્યારે ભવાઈ જ સમાજના પ્રશ્નો લોકો સમજ્ઞ કળા સ્વરૂપે રજૂ કરીને લોક જાગૃતી ફેલાવતાં હતા. આજે આંગણીને વેઢે ગણાય એટલા કલાકાર આ કળાને જીવંત રાખવા માટે યથાર્થ પ્રયત્નો કરે છે. તે પોતાનું ગુજરાન ચાલવા નહિ પણ આ કલાના પ્રચાર અને પ્રસાર માટે પોતાનું  સ-વિશેષ યોગદાન આપી રહ્યા છે.  છેલ્લા થોડા વર્ષોથી ગુજરાત સરકાર પણ ભવાઈકલા અને ભવાઈ કલાકારને પ્રોત્સાહન મળે તે માટે દરેક ભવાઈ મંડળને વાર્ષિક ૫૦૦૦૦ રૂપિયાની સહાય આપે છે. આગામી પેઢી પણ ભવાઈ ને જાણે,જૂએ અને માણે તેવો પ્રયાસ આપણે સાથે મળી ને કરીએ ” તા થૈયા થૈયા તા થઈ”

-Jaidip Parmar